કાયદાકીય શિક્ષણને વ્યવહારુ અનુભવ સાથે જોડતી શૈક્ષણિક મુલાકાત
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના ભાગરૂપે કાયદાકીય સંસ્થાઓની રૂબરૂ મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે. વર્ગખંડમાં મેળવેલા કાયદાકીય જ્ઞાનને વ્યવહારિક ક્ષેત્ર સાથે સાંકળવા તથા ન્યાયવ્યવસ્થા અને માનવ અધિકારોના વિવિધ પાસાઓને નજીકથી સમજવા માટે આવી મુલાકાતો વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
આ અંતર્ગત તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ, ગુરુવારના દિવસે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ ખાતે આવેલી કાયદાકીય સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. સૌપ્રથમ બપોરે ૩:૦૦ કલાકે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૪:૦૦ કલાકે સ્મોલ કોઝ કોર્ટ, રાજકોટ તથા સાંજે ૫:૦૦ કલાકે એ.ડી.આર. સેન્ટર, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને અદાલતી વ્યવસ્થાની કાર્યપદ્ધતિ, ન્યાયિક પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ તથા કાયદાના વ્યવહારુ અમલીકરણ અંગે સમજ મેળવવાની તક મળી હતી. અદાલતી વાતાવરણને નજીકથી નિહાળવાથી કાયદાના અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયેલી સૈદ્ધાંતિક સમજણને વાસ્તવિક ન્યાયિક વ્યવસ્થા સાથે સાંકળવામાં વિદ્યાર્થીઓને મદદ મળી હતી.
સ્મોલ કોઝ કોર્ટની મુલાકાત દરમિયાન નાના નાગરિક વિવાદોના ન્યાયિક નિરાકરણની પ્રક્રિયા અંગે સમજ મેળવવામાં આવી હતી. જ્યારે એ.ડી.આર. સેન્ટરની મુલાકાત દ્વારા અદાલતની બહાર વિવાદોના વૈકલ્પિક રીતે નિરાકરણ માટેની પદ્ધતિઓ, સમાધાન અને મધ્યસ્થી જેવી પ્રક્રિયાઓની ઉપયોગિતા અંગે વ્યવહારુ સમજ પ્રાપ્ત થઈ હતી.
આ સમગ્ર મુલાકાતનો એક મહત્વપૂર્ણ હેતુ વિદ્યાર્થીઓને એ સમજ આપવાનો હતો કે કાયદો માત્ર પુસ્તકો અને વર્ગખંડ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે વ્યક્તિના અધિકારોના રક્ષણ, ન્યાયની પ્રાપ્તિ અને સમાજમાં વ્યવસ્થા જાળવવાનું જીવંત સાધન છે. અદાલતો તથા વૈકલ્પિક વિવાદ નિવારણની વ્યવસ્થાને નજીકથી જોવાથી વિદ્યાર્થીઓની કાયદાકીય સમજણમાં તેમજ માનવ અધિકારો સાથે સંકળાયેલા વ્યવહારુ જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.
આ મુલાકાત દરમિયાન માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યાપક શ્રી સાગરભાઈ અમીપરા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા કરી, તેમના પ્રશ્નોના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું તથા કાયદાના વ્યવહારિક અભ્યાસ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
એક જ દિવસમાં ન્યાયિક વ્યવસ્થાની વિવિધ સંસ્થાઓ તથા વૈકલ્પિક વિવાદ નિવારણની વ્યવસ્થાની મુલાકાત લેવાનો આ અનુભવ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રીતે અત્યંત ઉપયોગી રહ્યો હતો. આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ, વ્યવહારુ દૃષ્ટિકોણ, ન્યાયપ્રક્રિયા પ્રત્યેની સમજ અને માનવ અધિકારોના રક્ષણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવામાં મદદ મળે છે.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા અભ્યાસક્રમને વ્યવહારિક અનુભવ સાથે જોડવા માટે કરવામાં આવતી આવી શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓને ભવિષ્યના કાયદાકીય વ્યવસાય અને સંશોધન માટે વધુ સજ્જ બનાવે છે. ભવનના અધ્યક્ષશ્રી તથા સમગ્ર અધ્યાપકમંડળના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને કાયદાના જ્ઞાનને વ્યવહારિક જીવનમાં સમજવા અને સમાજ તથા ન્યાયવ્યવસ્થામાં તેની ભૂમિકાને નજીકથી અનુભવવા માટે સતત આવી તકો પૂરી પાડવામાં આવી રહી છે.